ખેરગામ પોમાપાળ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ ખેરગામ, તા. 18 જૂન 2026: ખેરગામ તાલુકાની પોમાપાળ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ખેરગામના પોમાપાળ ફળિયાના સામાજિક અગ્રણી તથા LIC ડેવલપમેન્ટ ઓફિસર શ્રી જયેશભાઈ પટેલના પરિવારના સૌજન્યથી વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું. નોંધનીય છે કે તેમના પરિવાર દ્વારા છેલ્લા આઠ વર્ષથી સતત અને નિઃસ્વાર્થ ભાવથી આ સેવાકીય કાર્ય કરવામાં આવી રહ્યું છે, જે શિક્ષણ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા અને સમાજસેવાની ભાવનાનું ઉત્તમ ઉદાહરણ છે. આ પ્રસંગે તાલુકા પંચાયતના પૂર્વ સદસ્યશ્રી વિભાબેન પટેલ, શ્રી કલ્પેશભાઈ પટેલ, શ્રી પંકજભાઈ પટેલ તેમજ શાળાના શિક્ષકગણ અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ વિદ્યાર્થીઓને મન લગાવી અભ્યાસ કરવા અને જીવનમાં આગળ વધવા પ્રેરણા આપી હતી. કાર્યક્રમના અંતે શાળા પરિવાર વતી શાળાના આચાર્યશ્રી વાસંતીબેન પટેલે શ્રી જયેશભાઈ પટેલ અને તેમના પરિવારનો આ ઉમદા સહયોગ બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
નવસારી તાલુકા રમતોત્સવમાં મોલધરા પ્રાથમિક શાળાની કન્યા કિક્રેટ ટીમ સમગ્ર તાલુકામાં પ્રથમ.
- સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પમાં રોનક હર્ષદભાઈ રાઠોડ પ્રથમ .
- ૧૦૦ મીટર દોડમાં શાળાનો શિક્ષક શ્રી પવનસિંગ અંબાલાલ ઠાકોર પ્રથમ.
- રીનાબેન લાલસિંગ ગામીત (શિક્ષિકા) સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પમાં પ્રથમ.
નવસારી તાલુકાની પ્રાથમિક શાળાના 2872 બાળકોએ કેન્દ્ર કક્ષાએ ભાગ લઈ વિભાગ કક્ષાએ વિજેતા થયેલા 264 બાળકો તાલુકા કક્ષાએ વિવિધ રમતોમાં સ્પર્ધક બની આવ્યા હતા. જેમાં વ્યક્તિગત રમત દોડ, દેડકાદોડ, લીંબુ ચમચી, સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ, લાંબીકૂદ, ગોળા ફેંક, ચક્ર ફેંકે, સાઘિક રમતો ખો-ખો, કબડ્ડી, ક્રિકેટનું આયોજન કરવામાં આવ્યુ હતું.
જેમાં નવસારી તાલુકા રમતોત્સવમાં મોલધરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓમાં સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પમાં રોનક હર્ષદભાઈ રાઠોડ પ્રથમ ક્રમાંક અને લાંબી કૂદમાં તૃતિય ક્રમાંક, લાંબી કુદમાં ધૃવી હર્ષદભાઈ રાઠોડ તૃતિય ક્રમાંક, ૬૦ મીટર દોડમાં તુષાર મહેશભાઈ રાઠોડ દ્વિતીય ક્રમાંક, ૧૦૦ મીટર દોડમાં શાળાના શિક્ષક શ્રી પવનસિંગ અંબાલાલ ઠાકોર પ્રથમ ક્રમાંક અને ગોળા ફેંકમાં દ્વિતીય ક્રમાંક, રીનાબેન લાલસિંગ ગામીત (શિક્ષિકા) સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પમાં પ્રથમ અને ૧૦૦ મીટર દોડમાં પ્રોત્સાહન. જ્યારે સમગ્ર નવસારી તાલુકામાં કન્યા ક્રિકેટ ટીમે પ્રથમ ક્રમાંક મેળવી બાજી મારી હતી.
કન્યા ક્રિકેટ ટીમને નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી અરૂણકુમાર અગ્રવાલ સાહેબ દ્વારા ટ્રોફી અર્પણ કરવામાં આવી હતી.તેમજ નવસારી જિલ્લા પ્રાથમિક સંઘના પ્રમુખશ્રી દિલીપકુમાર પટેલ, જિલ્લા સંઘના મહામંત્રી હેમંતસિંહ ચૌહાણ, નવસારી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી વિશાલસિંહ રાઠોડ અને નવસારી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી રાજેશભાઈ ચૌધરી અને નવસારી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી વિજયભાઈ પટેલ દ્વારા શાળા અને સમગ્ર ટીમને શુભેચ્છા પાઠવવામાં આવી હતી.








Comments
Post a Comment