|ખેરગામ|
તારીખ ૨૯-૦૩-૨૦૨૩નાં દિને ખેરગામના ભૈરવી ગામેથી પસાર થતી ઔરંગા નદીમાં નાહવા પડેલા ભૈરવી ગામના બે બાળકોના ડૂબી જવાથી મોત નીપજતા બંને બાળકોના પરિવાર અને ગામમાં ભારે ગમગીની ફેલાઈ છે. ખેરગામ તાલુકાના ભૈરવી ગામના પટેલ ફળિયાનો મયંક કલ્પેશભાઈ પટેલ (ઉ.વ. ૧૨)અને ભૈરવી ભાટડી ફળિયાનો જૈનમ ધર્મેશભાઈ પટેલ (ઉ.વ. ૧૨) નામના બે ખાસ મિત્રો સાઇકલ લઈને અને અન્ય બે છોકરા ચાલતા જઈ ઔરંગા નદીના સામે કિનારે આવેલા પેલાડી ભૈરવી ખાતે આશરે બપોર ૨:૩૦ કલાકે ઔરંગા નદીમાં નાહવા પડ્યા હતા. જેમાં મયંક અને જૈનમ બંને પાણીમાં ડૂબી જતા અન્ય બે છોકરાઓ ડરી ગયા હતા. અને આજુબાજુના લોકોને બોલાવી લાવ્યા હતા. સ્થાનિક તરવૈયાએ નદીમાં ડૂબેલા બંને બાળકોના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢ્યા હતા. સદર ઘટનાની જાણ ખેરગામ પોલીસને થતા પીએસઆઇ જયદીપસિંહ ચાવડા સાહેબ પોલીસ ટીમ સાથે અને ખેરગામ મામલતદાર જિતેન્દ્ર સોલંકી સાહેબ પણ ઘટનાસ્થળે ધસી ગયા હતા. જોકે, ડૂબી ગયેલા બંને બાળકોમાં મયંક કલ્પેશભાઈ અને જૈનમ ધર્મેશભાઈ પટેલ ધોરણ-૭ અભ્યાસ કરતા હતા.
આ બંને વિદ્યાર્થીઓ નવી ભૈરવી પ્રાથમિક શાળામાં ધોરણ -૭માં અભ્યાસ કરતાં હતાં. તારીખ ૨૯-૦૩-૨૦૨૩નાં દિને સરકારી પરીપત્ર અનુસાર શાળાનો સમય ૭:૩૦ થી ૧૨:૩૦નો હોય બંને વિધાર્થીઓ ૧૨:૩૦ કલાકે છૂટી ઘર પહોંચ્યા હતાં. ત્યાર બાદ ૨:૩૦ કલાકની આસપાસ આ દુઃખદ ઘટના બની તેની જાણ નદી કિનારે રહેતાં સ્થાનિક લોકો દ્વારા જાણવા મળી હતી. આ બંને વિદ્યાર્થીઓ ગરીબ પરિવારમાંથી આવતાં હતાં. આ બંને પરિવારોનાં સ્વજનો પર દુઃખનું આભ તુટી પડ્યું છે. જ્યારે શાળા પરિવારમાં પણ દુઃખનું મોજું ફરી વળ્યું છે.
Comments
Post a Comment